ગુજરાત  પોલીસનું  ‘મિશન મિયાવાકી: ખાખી વર્દીની હરિયાળી પહેલ

0
969

છેલ્લા કેટલાંક મહિનાઓથી ગુજરાત પોલીસના સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ જૂથ, અમદાવાદના અધિકારીઓ અને જવાનો  દ્વારાકલીન કેમ્પ, ગ્રીન કેમ્પઅભિયાન મારફત પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં મહત્વપૂર્ણ પ્રયોગો હાથ ધરવામાં આવેલા છે. આવો, એની  પર એક નજર ફેરવીએ:

ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક ઉષ્ણતા) અને તેની ભયંકર અસરો વર્તમાન સમયની હકીકત બની ચૂકેલી છે. ઋતુઓ અસંતુલિત અને અણધારી બની રહી છે. એક અભ્યાસ મુજબ ૨૦૨૧ સુધીમાં દેશના અનેક મોટા શહેરોમાં ભૂગર્ભજળ શૂન્ય થઇ જશે. આવા સંજોગોમાં પૃથ્વી પર પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ધ્વારા માનવજાતિના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ધરતી પરના ગ્રીન કવરને અનેકગણુ વધારવું તે જ માનવજાતિ માટે એકમાત્ર અને અનિવાર્ય વિકલ્પ રહ્યો છે.

એસઆરપી જૂથ૨નુંકલીન કેમ્પ, ગ્રીન  કેમ્પઅભિયાન

છેલ્લા કેટલાંક મહિનાઓથી ગુજરાત પોલીસના સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સ જૂથ-ર, અમદાવાદના અધિકારીઓ અને જવાનો દ્વારા કલીન કેમ્પ, ગ્રીન કેમ્પ’ અભિયાન મારફત પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં મહત્વપૂર્ણ પ્રયોગો હાથ ધરવામાં આવેલા છે. આ અભિયાન અંતર્ગત કેમ્પમાં સાયકલોના ઉપયોગથી ઇંધણની બચત, સોલાર પેનલના ઉપયોગથી વિજળી ઉત્પાદન, જાપાનીઝ પધ્ધતિના ટોયલેટથી પાણીની બચત, રેઇન વોટર હાર્વેસ્ટીંગની સાદી પધ્ધતિઓથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના પ્રયોગો, કમ્પોસ્ટરના ઉપયોગથી કેમ્પના તમામ ઓર્ગેનીક કચરાનું ઓર્ગેનીક ખાતરમાં રૂપાંતર કરવાના પ્રયોગો ઉપરાંત કપાતમાં જતા વૃક્ષોના રિપ્લાન્ટેશનના સફળ પ્રયોગો પણ હાથ ધરવામાં આવેલા છે.

મિશન મિયાવાકી

ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સંવેનદનશીલ એવા એક­ આઇ.પી.એસ. અધિકારીએ પોતાના તાબા હેઠળના એસ.આર.પી. કેમ્પને શક્ય તેટલું પર્યાવરણ ભોગ્ય બનાવવા અને કેમ્પના ગ્રીન કવરમાં ૧૦૦ઽ વધારો કરવાના નિર્ધાર સાથે ‘કલીન કેમ્પ ગ્રીન કેમ્પ’ અભિયાન હાથ ધરી ઉપરોકત પ્રયોગો ઉપરાંત પરંપરાગત પદ્ધતિથી તtન વિપરીત અને જેની સફળતા અંગે પ્રથમ દ્રષ્ટિએ સહેજે આશંકા જાગે તેવી મિયાવાકી પદ્ધતિથી મોટા પાયે વૃક્ષારોપણ કરવાનો નવતર પ્રયોગ હાથ ધરેલો છે.

મિયાવાકી પધ્ધતિ વિશે એસ.આર.પી.એફ. જૂથ-રના સેનાપતિ સુધા પાન્ડેય જણાવે છે કે સામાન્ય રીતે પરંપરાગત પદ્ધતિથી ૧૦ થી ૧૫ ફૂટના અંતરે મોટે ભાગે એક જ પ્રકારના વૃક્ષો કોઈ પેટર્ન નક્કી કરીને વાવવામાં આવે છે. આમ પરંપરાગત પદ્ધતિથી ૧૦૦ ચો.મી. જેટલા વિસ્તારમાં સામાન્ય રીતે ૧૦ થી ૧૫ વૃક્ષો વાવી શકાય. આથી જો ૨૦૦૦થી ૩૦૦૦ વૃક્ષો વાવવા હોય તો ખૂબ મોટા વિસ્તારની જરૂરિયાત રહે. ઉપરાંત, અનુભવે સમજાયેલ છે કે આવા વૃક્ષારોપણ કરી પણ દેવાય તો યોગ્ય સુરક્ષા અને માવજતના અભાવે ખરેખર વિકસતા વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે.

આ પરિસ્થિતિમાં બદલાવ લાવી ખૂબ મોટા પાયે, ખૂબ ઝડપથી અને ખૂબ સફળતાપૂર્વક વૃક્ષારોપણ હાથ ધરી શકાય તે માટે જૂથ-ર ખાતે વૃક્ષારોપણની મિયાવાકી પધ્ધતિ અપનાવવામાં આવેલ છે. જાપાનના અકિરા મિયાવકી નામના વનસ્પતિશાસ્ત્રી દ્વારા શોધાયેલ આ પદ્ધતિથી જાપાનમાં ૪૦થી વધુ વર્ષોથી સફળતાપૂર્વક વૃક્ષારોપણ થઈ રહેલ છે. ભારતમાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ પદ્ધતિ લોકપ્રિય બની રહેલ છે. તેમાં અત્યંત નાની જગ્યામાં ખૂબ નજીક નજીક, જુદી-જુદી દેશી નસલના વૃક્ષો વાવવામાં આવે છે. જો કે આ વૃક્ષારોપણ પહેલા તે વિસ્તારને એક મીટર જેટલો ઊંડો ખોદી કાઢી, ખોદાયેલ માટીમાં જૈવિક ખાતર, ડાંગરનો ખોળતથા કોકોપીટ ઉમેરી માટીની ગુણાવત્તા, ભેજ સંગ્રહી રાખવાની શકિત તથા હવાની અવર-જવરની શકિત વધારવામાં આવે છે. આ રીતે તૈયાર કરાયેલ માત્ર ૧૦૦ ચો.મી. વિસ્તારમાં પરંપરાગત રીતે વવાતા ૧૦ થી ૧૫ વૃક્ષો સામે આ પદ્ધતિથી એટલા જ વિસ્તારમાં ૨૦ થઈ ૨૫ જાતિના માન્યામાં ન આવે તેટલા ૩૦૦થી ૫૦૦ વૃક્ષો વાવી શકાય છે. વધુમાં માત્ર ૨ થી ૩ વર્ષ આ વૃક્ષોને પાણી આપવાથી અને તે જગ્યાને નિંદામણ રહિત રાખવાથી આ છોડ આપણી દ્રષ્ટિથી ઊંચા અને આરપાર જોઈ ના શકાય તેવા જંગલમાં પરિવર્તિત થઈ જાય છે. આ પદ્ધતિથી ઉછેરાતું જંગલ ૧૦ ગણું વધારે ઝડપથી વધે છે, ૩૦ ગણું વધારે ગાઢ બને છે, અનેક ગણો વધારે ઓકિસજન આપે છે અને ૧૦૦ઽ ઓર્ગેનીક હોય છે. કોઈ આશ્ચર્ય નથી કે આવા જંગલ અસંખ્ય પક્ષીઓ તથા અન્ય જીવ જંતુઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે. આવા જંગલ તે વિસ્તારમાં હવા, જમીન, અવાજ અને પાણીના પ્રદૂષણને નિયંત્રિત રાખવામાં, તાપમાનના નિયમનમાં તથા તે વિસ્તારના ભૂગર્ભ જળને ઊંંચુ લાવવામાં પણ અતિ મહત્વનો ભાગ ભજવે છે. વધુમાં માત્ર ૩ વર્ષ પછી આ જંગલ આત્મનિર્ભર બની જાય છે અને તેને કોઈ પણ પ્રકારની માવજતની જરૂર રહેતી નથી.

જવાનોની યુદ્ધના ધોરણે કામગીરી

સુધા પાન્ડેયે આ પદ્ધતિ બાબત જાણકારી મળતા જ તે બાબત શક્ય તેટલું તમામ સંશોધન કરી આ પ્રકારના પ્લાન્ટેશનના સ્થાનિક વિશેષજ્ઞો શોધી કાઢી, પોતાના સ્ટાફને આ બાબત જરૂરી તાલીમ આપી તેમને ભાવનાત્મક રીતે આ કાર્ય સાથે જોડી દીધા. તાલીમ બાદ જૂથ-ર ના જવાનોએે લગભગ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી માત્ર એક અઠવાડિયાની અંદર પોતાના એસઆરપી કેમ્પમાં ૧૦૦ ચોમી જગ્યામાં ૨૮૫ છોડ સાથે પ્રથમ મિયાવકી જંગલ લગાવી દીધું. આ પ્રયોગની જાણ થતાં ગુજરાતના ડીજીપી શ્રી શિવાનંદ ઝા સાહેબના આદેશથી ગુજરાત પોલીસના તમામ એકમોના ૧૩૫ જેટલા પ્રતિનિધિઓને પણ આ પદ્ધતિથી વૃક્ષારોપણની તાલીમ જૂથ-૨ ખાતે આપવામાં આવી. આ તાલીમ પછી જૂથ-ર ઉપરાંત એસ.આર.પી. જૂથ-૭ નડિયાદ, જૂથ-૮ ગોંડલ, જૂથ-૩ મડાણા, જૂથ-૧૩ ઘંટેશ્વર, જૂથ-૧૬ ભચાઉ, ચેતક કમાન્ડો યુનિટ-મગોડી, રાજકોટ રૂરલ હેડ કવાર્ટર, વલસાડ હેડ કવાર્ટર અને ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, અમદાવાદ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ આ પદ્ધતિથી વૃક્ષારોપણ હાથ ધરાયેલ છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં અન્ય પોલીસ કેમ્પસમાં તથા પોલીસ દ્વારા આ પદ્ધતિથી જાહેર જગ્યાઓએ પણ મોટા પાયે અને સફળતાપૂર્વક વૃક્ષરોપણની સંભાવનાઓ ઉદભવેલ છે.

મિયાવાકી પદ્ધતિથી પ્રથમ જંગલ પ્લાન્ટેશન બાદ જૂથ-ર ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો અને અવિરત મહેનતથી માત્ર બે મહિનામાં બીજાં સાત જંગલ લગાવી કુલ આઠ જંગલમાં બધાં મળીને ૩૫૦૦ જેટલાં વૃક્ષો માત્ર ૮૫૦ ચોરસ મીટર જ્ગ્યામાં  લગાવવામાં આવેલાં છે.

જૂથ-રના સેનાપતિ સુધા પાન્ડેય જણાવે છે કે ચાલુ વર્ષે તેઓને પોતાના કેમ્પ વિસ્તારમાં ૩૨૦૦ છોડ વાવવાનું લક્ષ્ય મળેલું. પરંતુ લગભગ ૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલ એસ.આર.પી. કેમ્પ તેના લગભગ ૪૦૦૦ વૃક્ષો સાથે પહેલેથી જ અમદાવાદના સૌથી હરિયાળા વિસ્તારોમાનો એક છે. કેમ્પના રહેણાક મકાનો, કચેરીઓ, મેદાનો વિ. બાદ કરતાં બાકી બચતી તમામ જગ્યાએ પરંપરાગત પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવે તો પણ કોઈ પણ સંજોગોમાં ૧૫૦૦થી વધુ વૃક્ષો વાવવા માટે જગ્યા જ નહોતી. આથી શરૂઆતમાં તેઓને ૩૨૦૦ વૃક્ષ વાવવાનું લક્ષ્ય અસંભવ લાગેલું. પરંતુ, મિયાવાકી પઘ્ધતિ અપનાવ્યા બાદ આ જ કેમ્પમાં આ પદ્ધતિથી ૧૫૦૦૦ ઝાડ પણ લગાવી શકાય તેવી શક્યતાઓ ઊભી થયેલ છે.

પ્રજાજનો દ્વારા સારો પ્રતિભાવ

ગુજરાત પોલીસના આ પ્રયોગને તમામ સ્તરે ખૂબ સારો પ્રતિભાવ મળી રહેલ છે. શાળા/કોલેજોના છાત્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા અન્ય પ્રજાજનો આ પધ્ધતિની તાલીમ જૂથ ખાતે મેળવી રહેલ છે અને આ કાર્યને વેગ આપવા કટિબધ્ધ બનેલા છે. ડીજીપીશ્રીની કચેરી ખાતેથી આ પ્રયોગને વેગ આપવા આ પ્લાન્ટેશન માટે જરૂરી કોકોપીટ બનાવવાનું મશીન કેમ્પ ખાતે જ વસાવી શકાય તે માટે સુરક્ષા સેતુ હેઠળ જૂથ-ર ને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આના કારણે સમગ્ર પોલીસ બેડાના તથા પોલીસ બેડા દ્વારા જનતાના લાભાર્થે જાહેર સ્થળોએ કરવામાં આવતાં મિયાવાકી પ્લાન્ટેશન માટે ખૂબ સસ્તા ભાવે કોકોપીટ ઉપલબ્ધ થઇ શકશે.

એસ.આર.પી. જૂથ-રના ૧૦ થી ૧૫ કર્મચારીઓ હવે આ પધ્ધતિથી વૃક્ષારોપણના નિષ્ણાત સમાન બની ગયેલ છે. તેના જ કારણે સમગ્ર જૂથની ટીમ એક ગ્રીન બ્રિગેડ તરીકે કામ કરી રહી છે અને આ મિશનને સફળ બનાવી તેના ઉદાહરણથી અન્ય અનેકોને પર્યાવરણ સુધારણાના ભગીરથ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા અને સહાય કરવા તત્પર બનેલ છે.